કાળવા ચોકથી શ્રી લંબે હનુમાનજી મંદિર સુધીની પદયાત્રા – તીર્થયાત્રા

આમ તો ગિરનાર તીર્થક્ષેત્રની જગ્યાઓએ જુનાગઢમાં રહેતા લોકો અને અવારનવાર જતાં જ હોય, પરંતુ મારા માટે આ બધા સ્થળોનાં દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવાનું એક કારણ હતું કે આ સમગ્ર ૬ કિમી જેટલો પ્રવાસ જતી વેળાએ ચાલીને/પગપાળા કરવાનો હતો; જે પ્રભુકૃપાથી  ૨ કલાકમાંજ પરિપૂર્ણ થઈ ગયો.

બપોરના ભોજન બાદ સંસ્થાના અમુક કામ પતાવીને લગભગ ૩:૩૦ આસપાસ ઈષ્ટદેવોનું સ્મરણ કરી કાળવાચોકથી ચાલવાનું શરુ કર્યું. સૌપ્રથમ પડાવ હતો, માં વાઘેશ્વરીનું પ્રાચીન મંદિર. માતાજીની ઈચ્છા હોય એ લોકોને જ દર્શનનું સૌભાગ્ય મળતું હોય છે એ સર્વે માઈભકતોને ખ્યાલ જ હશે. એટલે આપે ગમ્મે તેટલું વિચાર્યું હોય અને તૈયારીઓ કરી હોય તો પણ માતાજીનો આદેશ ના થાય ત્યાં સુધી આપ એમના પરિસરમાં પણ પગ ના મૂકી શકો. તો માં ના દર્શન માત્ર જ મોટી વાત છે. ત્યાર બાદ બાજુમાં આવેલ શ્રી ગાયત્રી મંદિરે પણ દર્શન કર્યા.

20170107_162428

 

બીજો પડાવ હતો શ્રી રાધા-દામોદરજી તથા શ્રી રેવતી-બળદેવજીનું પ્રાચીન મંદિર. મારા સીમિત જ્ઞાન મુજબ સમગ્ર ભારતમાં ગોકુળ બાદ ફક્ત અહી જુનાગઢ ખાતે અતિ ચમત્કારી અને પ્રભાવશાળી એવું શ્રી બળદેવજીનું (ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ) મંદિર આવેલ છે. અહી શ્રદ્ધાળુઓ મનોકામના સાકાર કરવા શ્રી બળદેવજીને હાંડો(ખીરની પ્રસાદી) ધરે છે. અહી આવેલ શ્રી દામોદર કુંડ અતિ પવિત્ર છે; તિથી નિમિત્તે હજારો-લાખ્ખો ભાવિકો અહી પિતૃકાર્ય અર્થે આવે છે.

20170107_162831

 

ત્યારબાદ અહી મંદિર પરિસરમાંજ પુષ્ટિ(વૈષ્ણવ) સંપ્રદાયના પ્રણેતા શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીનાં ૬૪મા બેઠકજી આવેલ છે. (સમગ્ર યાત્રામાં જયાં વિશ્રામ કરવાનો હોય ત્યાં શ્રી મહાપ્રભુજી, શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું પારાયણ કરતા. જે સ્થળોએ રોકાઈને શ્રી મહાપ્રભુજીએ આવા પરાયણ કર્યા હતા, તેમને ‘બેઠક’ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં શ્રીમહાપ્રભુજીના કુલ ૮૪ બેઠકજી છે.) અહી દર્શન કરી ધન્ય થવાયું. ત્યાજ રેવતીકુંડ આવેલ છે. એક વાયકા મુજબ દ્રોણાચાર્યનાં ચિરંજીવી (મૃત્યુનાં પામે તેવા / ચિ.) પુત્ર અશ્વત્થામા અહી ભાગવત સાંભળવા આવતા.

20170107_162930

હવે સાક્ષાત શ્રી કૃષ્ણનાં પગલા થયેલ એવી અતિ દિવ્ય જગ્યા શ્રી મુછકુન્દ ગુફામાં જવાનું થયું. એક વાયકા મુજબ ત્રેતાયુગમાં દેવો-દાનવો વચ્ચેના યુધ્ધમાં દેવોની પરાજય થવાની ભીતિ વચ્ચે સુર્યવંશનાં (કે જેમાં શ્રી રામ અને હરિશ્ચંદ્ર જેવા પ્રતાપી રાજાઓ થઇ ગયેલ) તેજસ્વી રાજા મુછકુન્દની મદદ માંગી. પરિણામે દેવોના સેનાધ્યક્ષ તરીકે રાજા મુછકુન્દે વર્ષો સુધી લડાઈ કરી. વર્ષો બાદ ભગવાન શિવના પુત્ર શ્રી કાર્તિકેયન દેવોની રક્ષામાં આવ્યા. રાજા મુછકુન્દથી પ્રસન્ન થઈને દેવરાજ ઇન્દ્રે એમને ઈચ્છા મુજબનું એવું વરદાન આપ્યું કે વર્ષો સુધી રાજા મુછકુન્દની ઊંઘ કાયમી રહેશે અને જે કોઈ પણ એની નિંદ્રા ભંગ કરશે; રાજા મુછકુન્દની તેના પર નજર પડતાજ તે ભસ્મ થઇ જશે. આ સાથે રાજા મુછકુન્દ ગીરનાર તળેટીમાં આવી એક ગુફામાં મળેલ વરદાન મુજબ પોઢી ગયા.

20170107_170917

બીજી બાજુ દ્વાપરયુગમાં (ત્રેતાયુગ = અત્યારના ૧૨,૯૬,૦૦૦ વર્ષ અને તે પૂરો થયેલ આવતો દ્વાપરયુગ = અત્યારના ૮,૬૪,૦૦૦ વર્ષ) કાલયવન નામના રાક્ષસથી સૌ ત્રાહિમામ હતા કેમેકે કોઈ પણ મારી ના શકે તેવું વરદાન કાલયવનને મળેલ. પરંતુ તેને ખબર હતી કે શ્રી કૃષ્ણ મારો સંહાર કરી શકે એવી તાકાત ધરાવે છે. માટે પોતાના વરદાનનાં ગુમાનમાં મથુરા પર આક્રમણ કર્યું. શ્રી કૃષ્ણ સમય પારખી યુદ્ધ પડતું મૂકી ભાગી છુટ્યા અને ‘રણછોડ’ કહેવાયા.

20170107_171922

યુધ્ધમાંથી ભાગીને શ્રી કૃષ્ણ અહી મુછકુન્દ ગુફામાં આવ્યા. તેની પાછળ પેલો કાલયવન પણ આવ્યો. મુછકુન્દનાં વરદાનની જાણ હોઈ યુક્તિ પૂર્વક શ્રી કૃષ્ણએ પોતાનું એક વસ્ત્ર નિંદ્રાધીન મુછકુન્દને ઓઢાડી દુર ચાલ્યા ગયા. કાલયવને શ્રી કૃષ્ણ સમજી મુછકુન્દને નિંદ્રામાંથી જગાડ્યા; મુછકુન્દને મળેલ વરદાન મુજબ એની દ્રષ્ટિ કાલયવન પર પડતાજ તે ભસ્મ થઇ ગયો. લાખો વર્ષોની ઊંઘબાદ શ્રી કૃષ્ણના દર્શન થયા અને એમના માર્ગદર્શન મુજબ મોક્ષ પ્રાપ્તિ માટે અહીંથી રવાના થયા. અહી મુછકુન્દ કે જે પછીથી ઋષિ ટીકે પણ ઓળખાયા, તેણે મહાદેવની સ્થાપના કરી; જે મુછકુન્દ મહાદેવથી ઓળખાય છે. અહી શ્રી કૃષ્ણએ સ્થાપેલ મહાદેવનું સ્થાનક પણ છે.

અહીથી લગભગ ૫ વાગ્યા આસપાસ નીકળીને નવનિર્મિત શની મંદિરે દર્શન કરી, ભવનાથ મહાદેવને ત્યાં મસ્તક ઝુકાવ્યું. અંતમાં ૫:૨૦ આસપાસ શ્રી લંબે હનુમાન મંદિરે પહોચી, દાદાના દર્શન કર્યા. આ તબક્કે એવું કહેવાનું થાય કે આ યાત્રા એક સુખદ સ્મરણ બની રહી.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s