ખુશી…!!!

1

મળવાની અને ભેટવાની ખુશી,
ક્ષણોમાં સાથે રહયાની ખુશી,

વેવલા બનીને છેતરાયાની ખુશી,
કદી ના મળવાના સાથની ખુશી,

વ્યવહારુ ના બની શક્યાની ખુશી,
ખુલીને હસવા-રડવાના કલેજાની ખુશી.

બીજાની ખુશીમાં ખુશ રહેવાની ખુશી,
બીજાના દુઃખમાં સામેલ થયાની ખુશી,

કાલની ખુશીને વાગોળવાની ખુશી,
આજના દુઃખને ભૂલી જવાની ખુશી,

લાગણીના અંકુર ફૂટયાની ખુશી,
ભગ્નતાના પરિણામની ખુશી.

આંખોની વાતોના શમણાની ખુશી,
રુદનના હાસ્યના આક્રંદની ખુશી;

– મિહિર

Advertisements

અંતર…!!

કોણ જાણે કેમ આ થયું,
વાતો બાજુ પર રહી બધી;
નજરુંના રૌદ્ર સમરાંગણમાં,
અંતરનું અંતર વધી ગયું.

મહિનાઓ અને વર્ષો નહિ,
આ તો યુગો જેવું ભાષે;
ઘડીભરમાં શું થયું એવું,
અંતરનું અંતર વધી ગયું.

કળી ના શકાયું કોઈ કાળે,
જે થયું એ ટાળી ના શકાયું;
આજની-કાલની ભાન ભુલાઈ,
અંતરનું અંતર વધી ગયું.

સમયની એરણે ઉણો ઉતર્યો,
પણ આશા કેરો સૂર્ય ઉગ્યો;
ખિન્ન થઈને મન મનાવ્યું અને,
અંતરથી અંતરને જ વેતર્યુ.

– મિહિર 

યાદ આવ્યું…!!!

સવારની ભીની સુગંધ સાથે,
ઉષ્માની ઓચિંતી હાજરીથી;
સમયની તવારીખો બદલી,
અને કઈંક યાદ આવ્યું…!
 
રસ્તે ચાલતાં પગરવ નિહાળી,
ધીમા સાદના ગુંજારવથી;
યાદોનું ઘોડાપુર આવ્યું,
અને કઈંક યાદ આવ્યું…!
 
ચહેરાઓના વૃંદમાં ભળતા,
નજરુંના ત્રાટકના ભાસથી;
લાગણીનો ધોધ વરસ્યો,
અને કઈંક યાદ આવ્યું…!
 
અદર્શનની હયાતી જાણી,
મોંને સજાવાતાં, મનને ટકોરતાં;
આવી જવાયું દુન્યવી માયામાં;
યાદોનું સદેહે તર્પણ કર્યું…!
 
– મિહિર
 
#વાસંતી_વાયરો

શમણાં

વિચારોના વૃંદાવનમાં મહાલતા,
આવી ચડે કોઈ કુણું શમણું;
નિંદ્રાની તંદ્રામાં એ ખીલતું,
હસવાતું-રડાવાતું-મનાવતુ.
 
એ ઝાંઝવા તણું ભાસે ક્યારેક ,
પણ મનને ખુબ લલચાવતું;
જિજીવિષાનો પર્યાય બનતું,
ઉદયની એ વાત જણાવતું.
 
તો આ મહેરામણને પામવું કે છાંડવું,
આ આસ્વાદને માણવો કે તજી દેવો;
જીવનની ઘટમાળને આમ જ માણતા,
ચાલને આ શમણાંનું જ કરીએ સ્વત્વાર્પણ.
 
– મિહિર

 

પ્રેમ…!!!

નથી સમજવા થોથા ને ડોબા;
મારે તો માણવું આ પ્રેમ કાવ્ય,

નથી જોવી દુન્યવી ઝાકમઝોળ; 
તારી આંખો પર થવું ઓળઘોળ,

નથી સાંભળવા વીણા-શરણાઈ;
તારી વાતો મારે મન અમૃતવાણી.

– મિહિર

22893951_1669455536444276_8160119286287824154_n

ઘણું…!!!

યાદ આવી એ જ ઘણું;
સપનાં સેવ્યા એ જ ઘણું,

નજરું મળી એ જ ઘણું;
વાત નિકળી એ જ ઘણું,

હવે, મળીએ તો ઘણું;
વાત કરીએ તોય ઘણું,

ભુલોને ભુલીએ તો ઘણું;
હૈયું ધરીએ તોય ઘણું,

પ્રેમ નહી તો પ્રેમ જેવું;
નાટક કરીએ તોય ઘણું.

-મિહિર

ચાલને થોડું જીવી લઉં…!!!

આખી દુનિયાની નિતનવી ઉપાધિ મુકી;
મારી દુનિયામાં, ચાલને થોડું જીવી લઉં.

આ સંબંધોના તાંતણા ઉકેલવાનું મેલી;
અંતરના સંબંધે, ચાલને થોડું જીવી લઉં.

પૈસા-પ્રસિદ્ધિ મોજ-શોખની ચિંતા ભુલી;
સનાતન સતથી, ચાલને થોડું જીવી લઉં

કાલ ગઈ ને કાલ આવશે એ અવગણી;
આજ ને માણી, ચાલને થોડું જીવી લઉં.

પ્રભુ પાસે હંમેશા માંગ-માંગ ના કરી;
આભાર માની, ચાલને થોડું જીવી લઉં.

રોજે-રોજ અન્યોને ખુશ રાખવાનું છોડી;
આજે મારા માટે, ચાલને થોડું જીવી લઉં.

એકલો જ આવ્યો તો એકલો જ જવાનો;
એ માની ને જ, ચાલને થોડું જીવી લઉં.

– મિહિર